ડીસા ખાતે સરસ મેળામાં 55 જેટલાં સ્ટોલ્સમાં મહિલાઓ દ્વારા નિર્મિત હસ્તકલાની વસ્તુઓ વેચાણ માટે મુકાઈ
અહેવાલઃ સચિન શેખલિયા, બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના ડીસા હવાઈ પીલ્લર ખાતે ધારાસભ્ય પ્રવિણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ગ્રામીણ સ્વ સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન તેમજ વેચાણ માટે સરસ મેળો- 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવ હૂડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત પ્રાદેશિક સરસ મેળો-2023નું ઉદઘાટન ડીસાના ધારાસભ્યના હસ્તે કરાયુ છે.
55 જેટલાં વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ્સ
ડીસા ખાતે બનાવેલ સરસ મેળામાં 55 જેટલાં વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, વલસાડ અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી આર્ટ એન્ડ ક્રાફ્ટના સ્ટોલ્સ, લાઈવ ફૂડ એન્ડ ફન ના સ્ટોલ રાખવામાં આવ્યા છે.
મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે
આ પ્રસંગે ધારાસભ્ય પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે, મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સખી મંડળોની શરૂઆત કરાવી હતી. જેના થકી મહિલાઓ આજે પગભર બની રહી છે, અને વિવિધ વસ્તુઓ બનાવી તેઓ માર્કેટમાં મૂકી રહી છે. જેના થકી મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે.
તેમણે બટાટા નગરી ડીસામાં સૌનું સ્વાગત કરીને મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે રાજ્ય સભાના પૂર્વ સંસદ સભ્ય દિનેશભાઈ અનાવાડીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓ આર્થિક રીતે સશક્ત બંને તે માટે હંમેશા ચિંતા કરે છે. આ સરકારે મહિલા અનામત બિલને સંસદમાં મંજૂર કરીને ને મહિલાઓ આગળ વધે તે માટેની તક પુરી પાડી હોવાનું જણાવ્યું હતું