Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Arasuri Ambaji-જ્યાં આરતી દરમિયાન એક મિનિટનો વિરામ લેવાય છે

Arasuri Ambaji-આખા વિશ્વમાં એક માત્ર અંબાજી જ એવું શક્તિ પીઢ છે જ્યાં આરતી દરમિયાન એક મિનિટનો વિરામ લેવાય છે,એનું ય કારણ છે. આવો જાણીએ. આપણા દેશમાં અસંખ્ય મંદિરો છે. ઘણા દેવી દેવતાઓના મંદિર છે. ભારતની ભૂમિ પવિત્ર ભૂમિ છે. સમગ્ર...
02:42 PM May 31, 2024 IST | Kanu Jani

Arasuri Ambaji-આખા વિશ્વમાં એક માત્ર અંબાજી જ એવું શક્તિ પીઢ છે જ્યાં આરતી દરમિયાન એક મિનિટનો વિરામ લેવાય છે,એનું ય કારણ છે. આવો જાણીએ.

આપણા દેશમાં અસંખ્ય મંદિરો છે. ઘણા દેવી દેવતાઓના મંદિર છે. ભારતની ભૂમિ પવિત્ર ભૂમિ છે. સમગ્ર ભારત આદિકાળથી ભારત દેવી દેવતાઓ, સંતો, મહંતો અને શુરવીરો ની ભૂમિ રહી છે. અહિયાં ઠેકઠેકાણે  મંદિરો અને પાળિયા પોતાનો ઉજ્જવળ ઈતિહાસ સંઘરીને બેઠાં છે. દરેક મંદિરનો,જગ્યાનો અલગ અલગ ઇતિહાસ અને માહાત્મ્ય છે..

ગુજરાત અને રાજસ્થાનની સરહદે પડતું ભારતનુ એક માત્ર એવું શક્તિપીઠ અંબાજી દેશભરના માઈભક્તો માટે શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે.આ શક્તિપીઠમાં વિસાયંત્રની પૂજા,અભિષેક અને અર્ચના થાય છે.  યંત્રની ષોડશોપચાર પૂજા થાય છે.

ગર્ભગૃહમાં માતાની મૂર્તિ જ નથી

અંબાજી માતાજીના દર્શનાર્થે લાખો ભાવિક ભકતો આવે છે. પણ આ વાત થી કદાચ ઘણા અજાણ હશો કે અહિયાં ગર્ભગૃહમાં માતાની મૂર્તિ જ નથી. અહિયાં વીસા યંત્ર ની જ પૂજા કરવામાં આવે છે.જે દર્શન થાય છે એ અલગ અલગઅલગ શણગારથી મૂર્તિનો આભાસ જ છે.

51 શક્તિ પીઠોમાં હૃદયસમુ અંબાજી

અંબાજી તીર્થમાં રોજ હજારો ભાવિક ભક્તો માના દર્શાનાર્થે આવે છે.રોજના હજારો અને ખાસ તહેવારે તો લાખો માઈભક્તો અંબાજી આવે છે એમની સુખ અને સુવિધાઓ જળવાઈ રહે,દરેકને રહેવા જમવાની વ્યવસ્થા થાય,વાહન વ્યવહારની પણ સુવિધા રહે એ માટે રાજ્ય સરકાર અથાગ પ્રયત્નો કરી વ્યવસ્થા કરે છે. મંદિરનો જીર્ણોધ્ધાર કરી સુવર્ણ કળશો પ્રતિષ્ઠિત કરેલ છે. 358 સુવર્ણ કળશ યુક્ત આ શ્રીમંદિર લગભગ આખું સોને મઢ્યું છે. 51 શક્તિ પીઠોમાં હૃદયસમુ અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.

માર્બલ ઉદ્યોગનો મોટા પાયે વિકાસ

અરવલ્લીની ગીરીમાળામાં આવેલ પવિત્ર યાત્રા ધામ અંબાજી 240-20 ઉ અંક્ષાશ અને 720-51 રેખાંશ પર દરિયાઈ સપાટીથી 1600 ફુટની ઉંચાઈ પર આવેલ છે. જેની આજુ બાજુ નજીકમાં આવેલ ગામોની થઈને વસ્તી આશરે 20000 જેટલી થાય છે. અંબાજી ગામમાં યાત્રાળુઓને લગતા માલસામાનના વ્યાપાર વાણિજય ધમધમે છે ઊપરાંત અહી માર્બલ ઉદ્યોગનો મોટા પાયે વિકાસ થયેલ છે.

જ્યાં આરતી સમયે વચ્ચે એક મિનિટ નો વિરામ લેવામાં આવે છે

આખા જગત નુ એક એવું શક્તિ પીઠ કે જ્યાં આરતી સમયે વચ્ચે એક મિનિટ નો વિરામ લેવામાં આવે છે. આ જગ વિખ્યાત અંબાજી સમગ્ર સંસાર નુ એક એવું શક્તિ પીઠ છે કે જ્યાં સવાર અને સાંજ ની આમ બે આરતી કરવામાં આવે છે અને આ આરતી સમયે વચ્ચે એક મિનિટ નો વિરામ લેવાય છે. જેમ કે આરતી ની શરૂઆત જય આદ્યશક્તિ… મા, જય આદ્યશક્તિ આ રીતે આરતી આગળ વધે અને ‘તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા’ આ પંક્તિ પૂરી થયા બાદ એક મિનીટ ના વિરામ બાદ જ આગળ ની પંક્તિ ‘ચૌદશે ચૌદારૂપ ચંડી ચામુંડા… ‘થી આરતી ફરી શરૂ થાય છે. આ વિરામ દરમિયાન પૂજારી પોતે તેની આંખે પાટા બાંધી પ્રજ્વલિત આરતી થી માં આરાસુરી અંબા ના વીસા યંત્ર ની ખાસ પૂજા કરે છે.

વિસાયંત્રનું પૂજન 

આ વિસાયંત્ર શુદ્ધ સોનાનું બનેલ છે. એવું માનવામાં આવે છે કે આ વીસા યંત્ર એક શ્રી યંત્ર છે, જે ઉજ્જૈન અને નેપાળ ના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે જોડાયેલું છે. આ સાથે વધુ જાણવા એ મળ્યું કે આ યંત્ર મા એકાવન અક્ષર લખાયેલા છે. માં અંબા ના આ યંત્ર ને નરી આંખે જોઈ શકાતું નથી. જેથી પુજારી પણ આંખે પાટા બાંધી પૂજા કરે છે. ગોખ મા પણ એવી રીતે વસ્ત્રાલંકારો તેમજ આભૂષણો નો શણગાર કરવામાં આવે છે કે દર્શનાર્થી ને સવાર, બપોર અને સાંજે માતાજી જાણે વાઘ ઉપર બેઠાં હોય તેવું પ્રતીત થાય છે.

નરી આંખે આ યંત્રનાં દર્શન ન થઈ શકે એટલું એ તેજસ્વી

આ યંત્રને રેશમી અતલસના કાપડમાં લપેટેલું રખાય છે. ભાદરવી પૂનમ પછીના આઠમા દિવસે યંત્ર પર લપેટાયેલું વસ્ત્ર બદલાય છે. કાપડ બદલવાની આ પૂજા દરેક પૂજારીની આંખે પાટા બાંધીને કરાય છે. કહેવાય છે કે નરી આંખે આ યંત્રનાં દર્શન ન થઈ શકે એટલું એ તેજસ્વી છે. વસ્ત્ર બદલનાર પૂજારીઓ ભલે આંખે પાટા બાંધ્યા હોય તો પણ એ તેજપ્રકાશનો અનુભવ કરી શકે છે.

મા અંબાના પ્રાગટયની ગાથા મુજબ પ્રજાપતિ દક્ષે બૃહસ્પતિ શક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા જ દેવોને નિમંત્રણ આપ્યું હતું. પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને બોલાવ્યા ન હતા. પિતાના ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતા સતી દેવી પિતાના ત્યાં પહોંચી ગયા. પિતાના ત્યાં યોજાએલ મહાયજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન દેવા છતાં સતિમાતાને પિતા દક્ષ ધૂત્કારે છે અને મહાદેવ શિવની નિંદા કરે છે. આ અપમાન સહન ન થતાં દેવી યજ્ઞકુંડમાં જંપલાવી અગ્નિસ્નાન કરે છે.

સૃષ્ટિનો નાશ થઈ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના ટુકડા કર્યા 

ભગવાન શિવ ત્યાં આવે છે અને સતી દેવીના નિઃચેતન દેહને જોઈને એ ક્રોધિત થઈ તાંડવ આદરે છે. બ્રહ્માંડમાં હાહાકાર થઈ જાય છે.શિવતો તો સતીમાતાનો દેહ ખભે ઉપાડી ત્રણે લોકમા ઘુમવા માંડયા. ત્યારે આખીય સૃષ્ટિનો નાશ થઈ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના ટુકડા કરી પૃથ્વી પર વેરાવી દીધા. સતી દેહના ભાગ તથા આભૂષણો બાવન સ્થળો પર પડયા. આ સ્થળે એક એક શક્તિ તથા એક ભૈરવ ટચુકડા સ્વરૂપો ધારણ કરી સ્થિર થયા.બસ, આ જ આપણાં બાવન શક્તિ પીઠ. અંબાજીમાં માતાનું હ્રદય પડ્યું હતું.

ભગવાન શ્રીકૃષ્ણનું ચૌલકર્મ આરાસુરમાં

તંત્ર ચુડામણીમા આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ છે. આ પૈકી એક શક્તિ પીઠ આરાસુર અંબાજીનું ગણાય છે. આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડયો હોવાની માન્યતા છે. ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણ માથાના વાળ ઉતારવાની વિધિ-ચૌલકર્મ અહી આરાસુરમા મા અંબાના સ્થાને થયું હતું. એ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે. પાંડવો વનવાસ દરમ્યાન આરાસુરમાં માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે.

રાવણને મારવા માતાજીએ ભગવાન રામને અજય બાણ આપ્યું

વનવાસ દરમ્યાન સીતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદાના જંગલોમાં શૃગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા. ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવા દર્શનાર્થે મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતુ. અને એ બાણથી રાવણનો નાશ થયેલો.

અનેક દંત કથાઓ અને લોક વાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે. અંબાજીના વર્ણન સ્તુતિઓની પરંપરા છેક પુરાણોથી લઈને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઈતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં જોવા મળે છે. Arasuri Ambaji મંદિર પ્રાગ ઐતિહાસિક કાળનું હોવાનું મનાય છે. પણ ઉપલબ્ધ પરિસ્થિતી જોતા અત્યારનું સ્થાનક બારસો વર્ષ પુરાણુ જણાય છે.

સ્વતંત્રતા પહેલા રાજવી શ્રીભવાનસિહજી પરમાર માતાજીના અનન્ય ઉપાસક હતા. તેઓએ ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરેલ હોઈ વિદ્યાપ્રિય રાજવી તરીકે નામ મેળવેલ છે. ભવાનસિંહજી બાદ તેમના પુત્ર પૃથ્વીરાજસિંહજી ગાદી પર આવ્યા તેમના શાસન દરમ્યાન ભારતે સ્વંતત્રતા પ્રાપ્ત કરતા ગર્વનર જનરલ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિ તરીકે શ્રી વી.પી.મેનન, ભારત સરકારના સચિવશ્રી (મિનિસ્ટ્રી ઓફ સ્ટેટસ) અને દાતાના રાજવી શ્રી પૃથ્વીરાજસિંહજી વચ્ચે તા.5-8-1948 ના વિલિનીકરણ કરાર મુજબ દાતાનું રાજ્ય ભારતના સંઘમા વિલિન થયું.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની સ્થાપના

દાતા રાજ્ય ભારત સંઘમાં વિલિનીકરણ બાદ અંબાજી માતાની મંદિરની માલીકી અંગે કાનુની પ્રશ્ન ઉપસ્થિત થતા શ્રી પૃથ્વીરાજસિંહજી તથા ભારત સરકારના તાત્કાલિક મિનીસ્ટર ઓફ સ્ટેટસ શ્રી એચ. ગોપાલ સ્વામી આયંગર તથા ત્યાર બાદ ડો. કે. એન. કાન્જે તથા બાદમાં શ્રી વી. વિશ્વનાથન વચ્ચે ઘણો પત્ર વ્યવહાર થયો. છેવટે શ્રી પૃથ્વીરાજસિંહજી ધ્વારા તા.25-5-53 ના પત્ર ધ્વારા ભારતના રાષ્ટ્રપતિશ્રીને આ બાબત નામ. સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાને રીફર કરવા વિનંતી કરવામાં આવતા ના.સુપ્રિમકોર્ટ પૃથ્વીરાજસિંહજીને અંબાજી માતા મંદિરનો કબજો પ્રાંત ઓફિસર, પાલનપુરને સોંપી દેવાનું જણાવવામાં આવ્યું. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા અંબાજી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી(Arasuri Ambaji) માતા દેવસ્થાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી.. 

આ પણ વાંચો- Havan -હિંદુ ધર્મમાં અગત્યની વિધિ  

Next Article