Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bollywood-સ્ટાર્સની કરોડોમાં ફી ઉપરાંત બિન જરૂરી ખર્ચ

Access Budget in Bollywood film production- હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રથમ પંક્તિના કોરિયોગ્રાફરમાંથી  મસાલા મુવીની સફળ ડિરેક્ટર બનેલી ફરહા ખાનએ સૌપ્રથમ ફિલ્મ બનાવતી વખતે થતા ફાજલ ખર્ચ અંગે પેટ છૂટી વાત કર્યા પછી નાયાબ શાયર મજરૂહ સુલતાનપુરીના પ્રખ્યાત શેર જેવું થઈ...
bollywood સ્ટાર્સની કરોડોમાં ફી ઉપરાંત બિન જરૂરી ખર્ચ

Access Budget in Bollywood film production- હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રથમ પંક્તિના કોરિયોગ્રાફરમાંથી  મસાલા મુવીની સફળ ડિરેક્ટર બનેલી ફરહા ખાનએ સૌપ્રથમ ફિલ્મ બનાવતી વખતે થતા ફાજલ ખર્ચ અંગે પેટ છૂટી વાત કર્યા પછી નાયાબ શાયર મજરૂહ સુલતાનપુરીના પ્રખ્યાત શેર જેવું થઈ રહ્યું છે કે ‘મૈં અકેલા હી ચલા થા જાનીબ – એ – મંઝિલ મગર, લોગ સાથ આતે ગયે ઔર કારવાં બનતા ગયા.’

Advertisement

ફિલ્મ મેકિંગના ફાજલ ખર્ચ

ફરહા ખાનના સૂરમાં સૂર પુરાવ્યો આજના અત્યંત ચર્ચાસ્પદ ફિલ્મમેકર કરણ જોહરે અને ‘ગેંગ ઓફ વાસેપુર’થી ખ્યાતિ મેળવનારા અનુરાગ કશ્યપે સાથ આપ્યો. અલબત્ત ફિલ્મ મેકિંગના ફાજલ ખર્ચ અંગે કેવળ ફિલ્મમેકરો હૈયાવરાળ કાઢે એ તો ‘મોસાળમાં જમણ અને મા પિરસણ’ જેવું લાગે. ચર્ચા વ્યાપક બનતી ગઈ અને કૃતિ સેનન, જ્હાન્વી કપૂર, શબાના આઝમી, નવાઝુદ્દીન શેખ જેવા કલાકારો પણ એમાં સામેલ થયા અને પોતાના અભિપ્રાય આપ્યા. એક્ટર – એક્ટ્રેસ આ ચર્ચામાં જોડાય એનું વધુ મહત્ત્વ એટલા માટે છે કે આંગળી તેમની સામે ચીંધવામાં આવી છે.

ફિલ્મોની વ્યાવસાયિક નિષ્ફળતાના પ્રમાણમાં ખાસ્સો વધારો

વાત વિગતવાર જાણીએ. ૨૦૧૯ પછી અને ખાસ તો કોવિડકાળ બાદ અને ઓટીટી પ્લેટફોર્મના ઉદભવ પછી હિન્દી ફિલ્મોની(Bollywood )વ્યાવસાયિક નિષ્ફળતાના પ્રમાણમાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે. ૨૦૨૨ની નોંધ તો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી કંગાળ વર્ષ તરીકે થઈ. અલબત્ત ૨૦૨૩ અફલાતૂન રહ્યું પણ ૨૦૨૪ના પ્રથમ છ મહિના એકંદરે નિરાશાજનક રહ્યા છે. આ પરિસ્થિતિમાં ફિલ્મમેકરોને વળતરના વાંધા પડે એ સ્વાભાવિક છે.

Advertisement

રિલીઝ થયેલી ફિલ્મ થિયેટરમાં જોવા કેટલા પ્રેક્ષકો આવશે એ કોઈના હાથની વાત નથી, પણ એ ફિલ્મ તૈયાર કરવા કેટલા પૈસા ખર્ચવા એ દરેક ફિલ્મમેકરના હાથની વાત જરૂર છે. આવક જાવકનું સંતુલન બગડવા લાગે ત્યારે ફાજલ ખર્ચમાં કાપ મૂકવો એ વ્યવહારુ અભિગમ છે. આ મુદ્દાને અગ્રતા આપી ફરહા ખાન એન્ડ કંપનીએ આક્રોશ વ્યક્ત કર્યો છે.

એક  ઈન્ટરવ્યૂમાં ‘ઓમ શાંતિ ઓમ’ની દિગ્દર્શિકાએ કહ્યું હતું કે ‘શૂટિંગ વખતે એક્ટર – એક્ટ્રેસ આઠ – નવ જણના રસાલા સાથે સેટ પર આવે છે એ મારા હિસાબે અર્થહીન છે. આમ કરવાથી ફિલ્મની ગુણવત્તાને કોઈ લાભ નથી થતો, હા નિર્માતાના ખર્ચમાં ઘણો વધારો થાય છે. ખર્ચ વધવાની સાથે ફિલ્મ પૂરી કરવામાં સમય પણ વધુ લાગે છે. આ રસમ પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ અને ફાજલ ખર્ચ પર નિયંત્રણ લાવી ફિલ્મ બને એટલી જલ્દી આટોપી લેવાને પ્રાધાન્ય આપવું જોઈએ.’

Advertisement

એક્ટરોને ચૂકવવામાં આવતી મહેનતાણાની જંગી રકમ

સ્વાભાવિક છે કે Bollywood ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા લોકોને ફરહાની ફરિયાદમાં વજૂદ લાગે. આજની તારીખના ગ્લેમર ધરાવતા ફિલ્મ નિર્માતા – દિગ્દર્શક કરણ જોહર પણ ચર્ચામાં જોડાયો. કલાકારોના કાફલાને કારણે ફિલ્મ મેકિંગના ખર્ચમાં થઈ રહેલા વધારા વિશે પૂછવામાં આવતા તેનો અભિપ્રાય હતો કે ‘રસાલાનો ખર્ચ ગૌણ બાબત છે. મારા મતે એક્ટરોને ચૂકવવામાં આવતી મહેનતાણાની જંગી રકમ અંગે ફેરવિચાર કરવાની જરૂર છે.

બદલાયેલા સમય અને ફિલ્મ માટેના પ્રવર્તમાન વાતાવરણને એક્ટરો ઓળખી લેશે તો ફિલ્મ મેકિંગ હવે કેટલું મુશ્કેલ બની ગયું છે એનો તેમને ખ્યાલ આવશે.’

બિનજરૂરી વૈભવ પાછળ ખર્ચ

આ દલીલનું સમર્થન કરી અનુરાગ કશ્યપ જણાવે છે કે Bollywood ફિલ્મના બજેટનો એક મોટો હિસ્સો સર્જનાત્મક બાબત ખર્ચવાને બદલે બિનજરૂરી વૈભવ પાછળ ખર્ચી નાખવામાં આવે છે. તમે જંગલની વચ્ચોવચ શૂટિંગ કરી રહ્યા હો ત્યારે એક કાર ત્રણ કલાક દૂર શહેરમાં ફાઈવ સ્ટાર હોટેલમાંથી બર્ગર લેવા જાય. ફાલતુ ખર્ચનું આ એક નાનકડું ઉદાહરણ છે. મને તો લાગે છે કે એક્ટરોએ તેમના મહેનતાણા વિશે ફેરવિચાર કરવો જોઈએ અને ફાજલ ખર્ચની બાદબાકી કરી નિર્માણ ગૃહોએ ફિલ્મ મેકિંગ માટેના ખર્ચને પ્રાધાન્ય આપવું જોઈએ.

અલબત્ત આ બધી દલીલો ફિલ્મમેકિંગનો ખર્ચ જેમને સીધો સ્પર્શે છે એવા લોકોની છે. આ ખર્ચ માટે નિમિત્ત બનતા એક્ટર લોકો શું માને છે? આ બધી સગવડો – આદતોથી નહીં ટેવાયેલી અને સ્મોલ બજેટમાં કામ કરવા ટેવાયેલી શબાના આઝમી રસાલા રસમનો વિરોધ કરે એ સ્વાભાવિક છે.

આજની તારીખમાં સ્ટાર લોકો સાથે આવતા કાફલાને કારણે થતા ખર્ચની શબાનાએ ટીકા કરી છે. પીઢ અભિનેત્રીએ એ સમયને યાદ કર્યો હતો જ્યારે ફિલ્મોમાં એક્ટરો પોતાના જ કપડાં પહેરતા હતા. એટલું જ નહીં, કારને બદલે ટ્રેન કે બસમાં પ્રવાસ કરતા કારણ કે સાથે મુસાફરી કરવાનો આનંદ અનન્ય રહેતો. ‘ફિલ્મમાં કામ કરતી વખતે હું મારા જ વસ્ત્રો પહેરતી હતી. યુનિટના મેકઅપ મેન અને હેર સ્ટાઇલિસ્ટનો ઉપયોગ કરતી અને યુનિટ રોકાયું હોય એ જ હોટેલમાં રાતવાસો કરતી. આજે નિર્માતાઓ સ્ટાર્સની મનમાની કરવા દે છે એનું મને આશ્ર્ચર્ય થાય છે.’

કલાકારના અંગત સ્ટાફનો ખર્ચ ફાલતુ

આજની તારીખમાં મહદઅંશે નાના બજેટની Bollywood ફિલ્મમાં કામ કરનાર એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી પણ રસાલા સાથે સેટ પર આવવાની પ્રથાનો વિરોધ કરે છે. એનું સ્પષ્ટ કહેવું છે કે ‘મને આ શિરસ્તો પસંદ નથી. મારું દૃઢપણે માનવું છે કે એક્ટર કામ કરવાના જે પૈસા લેતા હોય છે એમાંથી જ તેણે પોતાના બધા ખર્ચા પૂરા કરવા જોઈએ. એ બધાથી ફિલ્મ મેકિંગને લાભ ન થતો હોય તો એનો કોઈ મતલબ નથી. હું હંમેશાં આ પ્રથાથી દૂર રહ્યો છું કારણ કે હું જે ફિલ્મોમાં કામ કરું છું એ મોટા બજેટની નથી હોતી. જો મોટા બજેટની હોય તો પણ હું એ શિરસ્તો નહીં અપનાવું, કારણ કે એ યોગ્ય નથી. ફિલ્મ મેકિંગ માટે અનુકૂળ નથી.’

અનેક ફિલ્મોમાં સાઈડ રોલ કરનારા અચ્છા અભિનેતા મુશ્તાક ખાનએ માર્મિક વાત કરી હતી. ‘વેલકમ’ ફિલ્મનો ઉલ્લેખ કરી એક્ટરે જણાવ્યું હતું કે ‘આ ફિલ્મ માટે મને અક્ષય કુમારના સ્ટાફ કરતાં પણ ઓછા પૈસા ચૂકવવામાં આવ્યા હતા. મારે ઓછા ખર્ચે મુસાફરી કરવાની હતી અને અક્ષય કુમારના કાફલાને જે હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો એ જ હોટેલમાં મને રહેવા જગ્યા ફાળવવામાં આવી હતી.’ અલબત્ત આ ચર્ચામાં રસાલા સાથે આવવા ટેવાયેલા અક્ષય કુમાર અને અન્ય બિગ સ્ટાર પણ જોડાય એ જરૂરી છે.

જોકે, બિગ બજેટમાં કામ કરતી જ્હાન્વી કપૂર અને કૃતિ સેનનનો સૂર જરા અલગ પડે છે. જ્હાનવીએ કલાકારના કાફલા માટે ખાસ્સો ખર્ચ થતો હોવાનું સ્વીકાર્યું હતું, પણ તેણે પોતાના રસાલાનો બચાવ કર્યો હતો. ખર્ચ પર નિયંત્રણ બાબત અને સાથે આવતી ટીમના સભ્યોને બે પૈસા પણ મળી રહે એ મુદ્દે નિર્માતાઓ સાથે જાહેર ચર્ચા કરવાની તરફેણ તેણે કરી હતી. નિર્માતા બોની કપૂરની પુત્રીની દલીલ હતી કે ‘ફિલ્મના સેટ પર પ્રત્યેક જણ આર્ટિસ્ટ હોય છે. બે પૈસા રળવા આવતા મારા સાથીઓના હિતનું રક્ષણ કરવાને હું પ્રાધાન્ય આપવામાં માનું છું. હું નિર્માતાની દીકરી છું એટલે વધારાના ખર્ચની કેવી અસર નિર્માતાને થાય એ હું જાણું છું. આ બાબતે મેકરો સાથે જાહેરમાં ચર્ચા થવી જોઈએ.’

ઘણી જગ્યાએ ફાજલ ખર્ચ થાય છે

આ ચર્ચામાં ‘મિમી’ માટે નેશનલ એવોર્ડ મેળવનારી કૃતિ સેનન પણ સામેલ થઈ છે. ‘હા, ઘણી જગ્યાએ ફાજલ ખર્ચ થાય છે એ હું સ્વીકારું છું’, કૃતિ જણાવે છે, ‘પણ ફિલ્મ ફાયદો કરે કે નુકસાન એને માટે તો ફિલ્મનું કન્ટેન્ટ જ જવાબદાર હોય છે. મારા હિસાબે ફિલ્મના સેટ પર માત્ર ફાજલ ખર્ચ જ નહીં, બધી જ બાબતો પર ધ્યાન આપવું જોઈએ.’ કૃતિએ નામ ન પાડ્યું પણ તેનો ઈશારો ખર્ચની ચિંતા સાથે સારી ફિલ્મ બનાવવાની ચિંતા પણ કરવી જોઈએ એ તરફ હતું.

જાહેરમાં ચર્ચા શરૂ થઈ છે એ સારી વાત છે. સિને રસિકો તો એટલું જ ઇચ્છતા હોય કે તેમને સતત સારી અને અર્થપૂર્ણ ફિલ્મ જોવા મળતી રહે જે મનોરંજન આપે અને એમાંથી કશું પામવા મળે.

હૃષીકેશ મુખરજીની ફિલ્મો

અફલાતૂન ફિલ્મમેકર બિમલ રોય સાથે એડિટર તરીકે કારકિર્દી શરૂ કરી એક કુશળ દિગ્દર્શક તરીકે Bollywoodમાં પોતાનો અલગ મુકામ બનાવનારા હૃષીકેશ મુખરજી ફિલ્મ બનાવતી વખતે ખર્ચમાં કેવી રીતે કાપ મૂકતા એ જાણવા – સમજવા જેવું છે.

અમિતાભ બચ્ચનનો જુહુ સ્થિત ‘જલસા’ બંગલો ખ્યાતનામ છે. અગાઉ આ પ્રોપર્ટી નિર્માતા એન. સી. સિપ્પીની હતી. બિગ બચ્ચને પોતાના બ્લોગમાં જ જણાવ્યું હતું કે ‘જલસા બંગલામાં મારી ‘આનંદ’, ‘નમક હરામ’, ‘ચુપકે ચુપકે’, ‘સત્તે પે સત્તા’ સહિત ઘણી ફિલ્મોનું શૂટિંગ થયું હતું.’ આ બધી ફિલ્મો સાથે સિપ્પીસાબનું નામ સીધી અથવા આડકતરી રીતે સંકળાયેલું હતું. આવી કોશિશ બજેટ ઘટાડવામાં મદદરૂપ થતી હતી.

હૃષીદાની કેટલીક ફિલ્મોમાં અગાઉ શૂટ થયેલી ફિલ્મના કપડાં વાપરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ અસરાનીએ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. રાજેશ ખન્નાએ ’આનંદ’ તેમના એ સમયના માર્કેટ પ્રાઇસથી અડધા કરતાં ઓછા પૈસા લઈને કરી હતી. ફિલ્મમેકરનો અને એના ક્ધટેન્ટનો આ પ્રભાવ હતો. તાત્પર્ય એટલું જ કે હૃષીકેશ મુખરજી ઓછા ખર્ચે સારી ફિલ્મ બનાવવામાં માહેર હતા.

આ પણ વાંચો- Glamorous Bollywood-બહારથી ઝગમગ પણ અંદર બધુ હખળડખળ 

Tags :
Advertisement

.