Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજે રાષ્ટ્રીય કેરી દિવસ ,ગુજરાતમાં આંબાની ખેતી સાથે સંકળાયેલા છે અંદાજે બે લાખથી વધુ ખેડૂતો

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ  ભારતમાં ૨૨મી જુલાઈને રાષ્ટ્રીય કેરી દિવસ તરીકે ઉજવાય છે. કેરીનું નામ આવે ત્યારે ગુજરાતનું નામ તેની સાથે આપોઆપ જોડાય જાય કેમ કે ગુજરાતમાં આંબાની ખેતી સાથે અંદાજે બે લાખથી વધુ ખેડૂતો સંકળાયેલા છે. ગુજરાતના અર્થતંત્રમાં કેરીના...
07:00 AM Jul 22, 2023 IST | Vishal Dave

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ 

ભારતમાં ૨૨મી જુલાઈને રાષ્ટ્રીય કેરી દિવસ તરીકે ઉજવાય છે. કેરીનું નામ આવે ત્યારે ગુજરાતનું નામ તેની સાથે આપોઆપ જોડાય જાય કેમ કે ગુજરાતમાં આંબાની ખેતી સાથે અંદાજે બે લાખથી વધુ ખેડૂતો સંકળાયેલા છે. ગુજરાતના અર્થતંત્રમાં કેરીના ઉત્પાદનનો મહત્વનો ફાળો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ ઉત્પાદન થાય તે માટે અનેક પ્રોત્સાહક યોજનાઓ પણ અમલી બનાવેલી છે. ગુજરાતમાં વર્ષ-૨૦૨૩-૨૪ની સીઝનમાં અંદાજે રૂ.૨૬,૮૫૦ લાખની કિંમતની કેરીનું એટલે કે ૬.૧૩ લાખ મેટ્રિક ટન કેરીનું વેચાણ થયું છે. જે સમગ્ર દેશમાં થયેલા કેરીના કુલ વેચાણમાં ૭.૧૩ ટકા ફાળો દર્શાવે છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં જુદી જુદી જાતોની કેરીઓનું ઉત્પાદન થાય છે. જેમાં કેસર, રાજાપુરી, લંગડો, આમ્રપાલી, હાફુસ, સોનપરી, દશેરી, તોતાપુરીનો સમાવેશ થાય છે. જેમાં સમગ્ર વિશ્વમાં તલાલા ગીરની કેસર કેરી ખુબ જાણીતી છે, જેની ગુણવત્તાને લીધે વર્ષ ૨૦૧૧માં GI(જીઓગ્રાફીકલ ઇન્ડીકેશન) ટેગનો દરજ્જો મળ્યો હતો, જેનાથી ગુજરાતના તલાલા ગીરની કેરીને વૈશ્વિક સ્તરે પોતાની અલગ ઓળખ પ્રાપ્ત થઇ છે. ગુજરાતમાં કુલ ઉત્પાદિત થતી કેરીઓમાંથી ૧૫ ટકા જેટલી કેરીઓ તો દેશના અન્ય રાજ્યોમાં જાય છે. આ ઉપરાંત વિદેશોમાં પણ આ કેરીની મબલખ નિકાસ કરવામાં આવે છે. ગુજરાતની પ્રખ્યાત કેસર કેરીની વિદેશમાં પણ બોલબાલા વધી છે.

 

અમદાવાદના બાવળા ખાતે સ્થપાયેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી ખાતેથી પ્રથમ સિઝનમાં જ બે લાખ કિલોગ્રામથી વધુ કેસર કેરીનું ઇ-રેડિયેશન કરી અમેરિકા અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં નિકાસ કરવામાં આવી છે. આ પ્લાન્ટ થકી કેરીની ગુણવત્તાની જાળવણી, બગાડનો અટકાવ તથા પરિવહન ખર્ચમાં પણ ઘટાડો થાય છે. અગાઉ કેરી જેવા ફળોનો નિકાસ કરવા માટે ગુજરાતના ખેડૂતોએ મુંબઈ જઈ ફળોનું ગામા ઇ-રેડિયેશન કરાવવું પડતું હતું. જેના પરિણામે ફળોનો બગાડ અને પરિવહન ખર્ચમાં વધારો થતો હતો. આ યુનિટ કાર્યરત થવાથી હવે ખેડૂતો અમદાવાદ-બાવળા ખાતે જ ફળોનું ગામા ઇ-રેડિયેશન કરાવી નિકાસ કરી તેમના પાકનો ઉત્તમ ભાવ મેળવતા થયા છે. ગુજરાત એગ્રો રેડિએશન પ્રોસેસિંગ ફેસિલિટીને USDA-APHIS ની મંજૂરીને એક મહત્વપૂર્ણ કદમ ગણવામાં આવે છે. આ પગલાથી ગુજરાતની કેરીની નિકાસ પ્રક્રિયા વધુ વેગવાન બનશે.

‘કેસર કેરી મહોત્સવ’ થકી ખેડૂતો મેળવી રહ્યા છે પોષણક્ષમ ભાવ

શહેરી નાગરિકોને કાર્બાઈડ ફ્રી કેરી અને ખેડૂતોને તેમની કેરીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૭થી દર વર્ષે ઉનાળાની સીઝનમાં ‘કેસર કેરી મહોત્સવ’નું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે યોજાયેલા કેરી મહોત્સવમાં ખેડૂતો દ્વારા ૯૨ હજાર કિલોગ્રામ જેટલી કેરીના વેચાણની સામે આ વર્ષે એક મહિનાના સમયગાળામાં ખેડૂતો દ્વારા ૨.૯૪ લાખ કિલોગ્રામથી પણ વધુ કેસર કેરીનું વેચાણ કર્યું હતું જેમાં ખેડૂતોએ સામાન્ય કરતા ૩૦ થી ૩૫ ટકા વધુ આવક મેળવી છે. તે ઉપરાંત આંબામાંથી મુલ્ય વર્ધન કરી અથાણાં, જામ, આમ પાપડ, આમ ચુર્ણ અને કેરી પલ્પ જેવી બનાવટો બનાવી ખેડૂતો બમણી આવક મેળવતા થયા છે.

રાજ્યમાં આ વર્ષે ક્યાં કેરીનું કેટલું ઉત્પાદન થયું ?
રાજયમાં મુખ્યત્વે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, કચ્છ અને સુરત સહિતમાં જીલ્લાઓમાં આંબા પાક વધુ થાય છે. જેમાં વલસાડમાં ૧.૮૧ લાખ મેટ્રિક ટન, નવસારીમાં ૧.૧૯ લાખ મેટ્રિક ટન, ગીર સોમનાથમાં ૧.૦૫ લાખ મેટ્રિક ટન, કચ્છમાં ૮૪ હજાર મેટ્રિક ટન અને સુરતમાં ૫૦ હજાર મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું છે.

રાજ્ય સરકાર દ્વારા બાગાયત પાકના ઉત્પાદન માટે ખેડૂતોને વિશેષ સહાય
• આંબાની જૂની વાડીઓના નવિનીકરણ કરવા માટેની યોજના
• આંબા પાક માટે અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો માટેની યોજના
• ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકો માટેની યોજના
• વધુ ખેતી ખર્ચના ફળપાકો સિવાયના ફળપાકોમાં સામાન્ય અંતરે વાવેલા ફળપાક માટે સહાય
• બાગાયતી પાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં ૯૦ ટકા સહાય
• આંબા ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં વિશેષ સહાય

Tags :
FarmersGujaratinvolvedJulymango cultivationMango DayNationaltwo lakh
Next Article