Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નરોડા બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખàª
નરોડા બેઠકની તસવીર અને તાસીર શું છે  જાણો આ અહેવાલમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
વિધાનસભા ચૂંટણીમાં આ વર્ષે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો પૈકી અમદાવાદ શહેરના ફાળે 16 જેટલી વિધાનસભા બેઠકો જાય છે.
નરોડા વિધાનસભા બેઠક
વર્ષ 2019માં લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. ગુજરાતમાં લોકસભાની તમામ 26 સીટ પર ભાજપે ભગવો લહેરાવ્યો હતો. નરોડા વિધાનસભા બેઠક અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તાર હેઠળ આવે છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હસમુખભાઈ પટેલે કોંગ્રેસના ગીતાબેન પટેલને હરાવીને અમદાવાદ પૂર્વી લોકસભા સીટ પર જીત મેળવી હતી. વર્ષ 2008માં ડિ-લિમિટેશનની પ્રક્રિયા બાદ આ મતવિસ્તારની રચના થઈ હતી. ત્યારબાદ વર્ષ 2009, 2014 અને 2019માં લોકસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે. આ ત્રણેય ચૂંટણી ભાજપના ઉમેદવારોએ જીત મેળવીને પરચમ લહેરાવ્યો હતો. અમદાવાદ શહેરમાં 16 વિધાનસભા બેઠકો છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 16 બેઠકમાંથી 12 બેઠક પર વિજય મેળવ્યો હતો અને 4 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. ભાજપે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ 4 બેઠક પર પણ ભગવો લહેરાવા માટેની કવાયત શરૂ કરી દીધી છે.
ભાજપનો ગઢ નરોડા વિધાનસભા બેઠક
વર્ષ 1990થી ભાજપ નરોડા બેઠક પરથી સતત જીતી રહ્યું છે. જેથી આ બેઠકને ભાજપની કમિટેડ બેઠક માનવામાં આવે છે. નરોડા વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ત્રણ વોર્ડ અને અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે. વર્ષ 2017માં નરોડા વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર બલરામ થવાણીએ કોંગ્રેસ ઉમેદવાર ઓમપ્રકાશ તિવારીને હરાવ્યા હતા. વર્ષ 2012માં પણ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે નરોડા વિધાનસભા બેઠક પર જીત મેળવી હતી. ભાજપ ઉમેદવાર ડૉ.નિર્મલાબેન વાઘવાણીએ કોંગ્રેસ ઉમેદવાર ભગવાન ભરવાડને 58,352 મતથી હરાવી દીધી હતા. વર્ષ 2007માં પણ ભાજપે નરોડા વિઘાનસભા બેઠક પર પોતાનો પરચમ લહેરાવ્યો હતો. ભાજપ ઉમેદવાર માયાબહેન કોડનાનીએ કોંગ્રેસ ઉમેદવાર ડૉ. પરષોત્તમ હરવાણીને 1,80,442 મતથી પાછળ છોડી દીધા હતા. વર્ષ 2002માં પણ ભાજપ ઉમેદવાર માયાબહેન કોડનાનીએ કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ કોઠિયાને હરાવીને જીત મેળવી હતી.
જ્ઞાતિ જાતિના સમીકરણ
નરોડા વિધાનસભા બેઠક પર સિંધી અને OBC મતદારોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. વિધાનસભા બેઠકની ચૂંટણીમાં સિંધી જ્ઞાતિનું 14 ટકા મતનું પ્રમાણ જોવા મળે છે. પાટીદાર સમાજનું વિધાનસભા બેઠકની ચૂંટણીમાં 10 ટકા મતનું પ્રમાણ જોવા મળે છે. બક્ષીપંચનું 26 ટકા, દલિતનું 12 ટકા, સવર્ણનું 3 ટકા, પરપ્રાંતિયનું 13 ટકા તથા અન્ય જ્ઞાતિનું 22 ટકા મતનું પ્રમાણ જોવા મળે છે.


વિજેતા ઉમેદવાર પક્ષ

2017 બલરામ થવાણી ભાજપ
2012 ડૉ.નિર્મલાબેન વાઘવાણી ભાજપ
2007 માયાબહેન કોડનાની ભાજપ
2002 માયાબહેન કોડનાની ભાજપ
1998 માયાબહેન કોડનાની ભાજપ
1995 ગોપાલદાસ ભોજવાણી ભાજપ
1990 ગોપાલદાસ ભોજવાણી ભાજપ
1985 ગીતાબેન દક્ષિણી કોંગ્રસ
1980 રામચંદ તહલરામ કોંગ્રેસ

2022ની વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ
તમામ પક્ષોએ ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણી જીતવાના લક્ષ્યાંકને પાર પાડવા માટે તૈયારીઓ શરૂ કરૂ દીધી છે. ભાજપે તમામ 182 બેઠક પર જનપ્રતિનિધિઓ, પૂર્વ હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓને રાજકીય પ્રવાસ કરવાની સૂચના આપી હતી. જેને લઈ 3થી 5 જૂન દરમિયાન રાજકીય આગેવાનો અને નેતાઓએ મતવિસ્તારની મુલાકાત પણ લીધી હતી. અમદાવાદ શહેરની 16 બેઠકોમાં પાટીદાર, ઓબીસી, એસસી તથા લઘુમતીનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારો છે, જેમાં દરેક બેઠકોના જ્ઞાતિના સમીકરણોને રાજકીય પ્રવાસ દરમિયાન સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠકોમાંથી 70 ટકાથી વધુ વિસ્તારોમાં ધારાસભ્યો બદલવાની સૂચનાઓ આપી છે. કોંગ્રેસે 182 બેઠકમાંથી 125 બેઠક પર જીત મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તો ત્રીજા પક્ષ તરીકે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 50 થી વધુ બેઠક પર જીત મેળવવાના લક્ષ્ય સાથે રણનીતિ ઘડી છે.
ગત ચૂંટણીમાં કોંગ્રેસે સારો એવો દેખાવ કર્યો હોવા છતા પણ નરોડાની બેઠક ખુબ જ મોટા માર્જિન સાથે બીજેપીએ જીતી હતી. તેવામાં કોંગ્રેસ માટે નરોડાની બેઠક જીતવી એક ખુબ જ મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. જોકે આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ હોવાના કારણે ગુજરાતની તમામ બેઠકોના સમીકરણોમાં થોડા અંશે ફેરફાર આવી શકે છે. તેવામાં નરોડાની બેઠકને જીતવા માટે કોંગ્રેસને પોતાનો બધો જ દમ લગાવવો પડી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.