Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નવા અને તાજા વિચારો સાથેની ત્રણ નવી કોલમ, વાંચો માત્ર ‘gujaratfirst.com’ પર

ગુજરાતના લોકોને ‘ગુજરાત ફર્સ્ટ’ના રુપમાં આગવા અભિગમ સાથેનું અવ્વલ મીડિયા હાઉસ મળ્યું છે. જે ગરવા ગુજરાતીઓની થાળીમાં દેશ વિદેશના સમાચારો, વિશ્લેષણો, વિવિધ ક્ષેત્રોની માહિતી તથા તાજા અને નવા વિચારોના રુપમાં અવનવી વાનગીઓ પીરસવા માટે તૈયાર છે. સામાન્ય રીતે ગુજરાતી પ્રજાની ઓળખ વેપારી પ્રજા તરીકે થાય છે, જો કે હકિકત એ પણ છે કે વેપાર ઉપરાંત અનેક ક્ષેત્રોમાં ગુજરાતીઓ આગળ છે અને રસ પણ
07:24 AM Feb 13, 2022 IST | Vipul Pandya
ગુજરાતના લોકોને ‘ગુજરાત ફર્સ્ટ’ના રુપમાં આગવા અભિગમ સાથેનું અવ્વલ મીડિયા હાઉસ મળ્યું છે. જે ગરવા ગુજરાતીઓની થાળીમાં દેશ વિદેશના સમાચારો, વિશ્લેષણો, વિવિધ ક્ષેત્રોની માહિતી તથા તાજા અને નવા વિચારોના રુપમાં અવનવી વાનગીઓ પીરસવા માટે તૈયાર છે. સામાન્ય રીતે ગુજરાતી પ્રજાની ઓળખ વેપારી પ્રજા તરીકે થાય છે, જો કે હકિકત એ પણ છે કે વેપાર ઉપરાંત અનેક ક્ષેત્રોમાં ગુજરાતીઓ આગળ છે અને રસ પણ ધરાવે છે. જેમાં સાહિત્ય અને કલાનો પણ સમાવેશ થાય છે. આદિકવિ નરસિંહ મહેતા, પ્રેમાનંદ, કવિ નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી વગેરે અનેક સાહિત્ય સર્જકો ગુજરાતની ધરતીએ આપ્યા છે અને ગુજરાતીઓએ તેમની કદર પણ કરી છે. આ યાદી ઘણી લાંબી છે. ત્યારે ગુજરાતના લોકોને જણાવતા અમને ઘણો આનંદ થાય છે કે અમે આપના માટે ત્રણ નવા અને તરો તાજા વિચારો સાથેની કોલમ લઇને આવ્યા છીએ. 
‘gujaratfirst.com’ પર હવે ટૂંક સમયમાં તમે ગુજરાતના ત્રણ યુવા લેખકોને વાંચી શકશો. જેમાં  કુણાલ ગઢવી, અંકિત દેસાઇ અને  પરખ ભટ્ટનો સમાવેશ થાય છે. જેઓ અનુક્રમે સમ્યક વાણી, સુખ દુઃખનો પોડકાસ્ટ તથા FEAR ફેક્ટ્સ શિર્ષક હેઠળ પોતાના વિચારો રજૂ કરશે. આ ત્રણે લેખકો અત્યારે ગુજરાતી સાહિત્યની નવી પેઢીમાં ઘણા જાણીતા નામો છે. જેઓ અત્યારે પ્રતિષ્ઠિત અખબારો અને અન્ય મીડિયા હાઉસ સાથે પણ સંકળાયેલા છે, જેમને હવે ગુજરાત ફર્સ્ટના વાચકો પણ વાંચી શકશે.
કોલમનું નામ -  સમ્યક વાણી
લેખક - કુણાલ ગઢવી


કોલમમાં શું હશે? -  ભારતભરનાં રાજ્યોની સંસ્કૃતિ અને નોખા માનવીઓની સંવેદનાઓની વાતો

ગાંધીનગર ખાતે સચિવાલયમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગમાં સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવતા કુણાલ ગઢવી ગુજરાત યુનિવર્સિટીમાંથી ક્લિનિકલ રિસર્ચમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયા છે. આ સિવાય તેમણે IBSમાંથી પીજી ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી પણ મેળવી છે.  અત્યારે તેઓ ક્લાઇમેટ ચેન્જ અધિકારી તરીકે રિન્યુએબલ એનર્જી, કલાઈમેટ ચેન્જ ઈમ્પેક્ટ સ્ટડીઝ, મિટીગેશન અને અડેપ્ટેશન નીતિ ઘડતર સાથે સંકળાયેલા છે. આ સિવાય તેમને ઉદ્યોગ અને ખાણ વિભાગમાં 8 વર્ષનો અનુભવ છે. ઔદ્યોગિક નીતિ, સ્પેશિયલ ઇકોનોમી ઝોન્સ, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન એક્ટ, વાઈબ્રન્ટ ગુજરાત, સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવેલપમેન્ટ સંસ્થાના હ્યુમન રિસોર્સ અને સ્કીલ ડેવલમેન્ટ કોર્સ સાથે પોલિસી મેકિંગનો પણ અનુભવ ધરાવે છે. દિલ્લી ખાતે ડો. વિકાસ દિવ્યકિર્તીનાં વિદ્યાર્થી તરીકે તેમણે નિબંધ, નીતિશાસ્ત્ર, જાહેર વહીવટ અને ભારતીય બંધારણ, કળા, સાહિત્યની સઘન તાલીમ લીધેલ છે. 
છેલ્લા પાંચ વર્ષથી તેઓ લેખન ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. સ્ટાર્ટઅપ, જાહેર વહીવટ, કલાઈમેટ ચેન્જ, ઔદ્યોગિક નીતિ, સંસ્કૃતિ, કળા અને સાહિત્ય જેવા વિષયો પર વિભિન્ન મેગેઝીન અને ન્યૂઝપેપરમાં આર્ટિકલ લખે છે. તેઓની વાર્તા, કવિતાઓ, ટ્રાવેલ બ્લોગ, ફીચર આર્ટિકલ, મુવી રિવ્યુને ફેસબુકમાં બહોળો પ્રતિસાદ મળે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સેંકડો વિદ્યાર્થીઓનાં મેન્ટર છે. તેમણે ૨૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓના મોક ઇન્ટરવ્યૂ લીધેલા છે, જેમાંથી ૫૮ વિદ્યાર્થીઓ કલાસ ૧-૨ અધિકારી બનેલ છે. ઉપરાંત ટ્રાઇબલ એરિયામાં પબ્લિક સ્પીકર તરીકે ઘણા નિઃશુલ્ક સેમિનાર કરી બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવાઇ તે માટે પ્રયત્નશીલ છે. કુણાલ ગઢવીને ગુજરાત સીને મીડિયા એવોર્ડ તરફથી સ્પેશ્યલ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે.
કોલમનું નામ -  સુખ દુઃખનો પોડકાસ્ટ 
લેખક - અંકિત દેસાઇ

કોલમમાં શું હશે? - જાણીતા લોકો અને હસ્તીઓ સાથેની મુલાકાતો, જેમાં તેઓ પોતાના આનંદ અને પીડા વિશે વાતો કરશે
માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર્સ કરીને જનસંચાર માધ્યમોના ક્ષેત્રમાં પ્રવેશેલા લેખક અને પત્રકાર અંકિત દેસાઈને વેબ જર્નલિઝમ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ છે. એક દાયકા પહેલા ગુજરાતી વાચકો જ્યારે એક્સક્લુઝિવ વેબ જર્નાલિઝમથી ટેવાઈ રહ્યા હતા અને જ્યારે વેબ પર માત્ર ન્યૂઝનો જ દબદબો હતો ત્યારે તેમણે ફીચર્સના ક્ષેત્રમાં નવો ચીલો ચાતર્યો હતો. એ સમયે પૉપ્યુલર ગુજરાતી લેખકો - પત્રકારો પાસે વેબ અને એપના યુઝર્સને રસ પડે એવા વિષયો સાથેનું એક્સક્લુઝિવ ફીચર કન્ટેન્ટ તૈયાર કરાવ્યું હતું.  હાલમાં તેઓ બ્રેન્ડિંગ અને ઈમેજ બિલ્ડિંગના ક્ષેત્રમાં એક્સપર્ટ અને સ્ટ્રેટેજિસ્ટ તરીકે કાર્યરત છે. સાથોસાથ 'સંદેશ', 'મુંબઈ સમાચાર' અને 'ફૂલછાબ' જેવા અખબારોમાં તેઓ નિયમિત વીકલી કૉલમો લખે છે. આ પહેલા 'દિવ્ય ભાસ્કર' સાથે કૉલમિસ્ટ તરીકે જોડાયેલા હતા તો 'khabarchhe.com' અને 'કૉકટેલ ઝિંદગી' સાથે એક્ઝિક્યુટિવ ઍડિટર તરીકે જવાબદારી નીભાવી હતી. 
અત્યાર સુધીમાં તેમણે 'નોખી માટીના માનવી', 'ડિજિટલી યોર્સ', 'ટ્રેન ટેલ્સ', 'આથમતો અજવાસ' અને 'દાસ્તાન અને ડહાપણ' જેવા નવી ભાત અને વિષય વસ્તુના ફિક્શન અને નોન ફિક્શન પુસ્તકો આપ્યા છે. મહાભારતના 'શાંતિપર્વ' પર આધારિત તેમની લીડરશીપ ટ્રેનિંગ 'લીડરશીપ પર્વ' પણ હાલમાં સેંકડો વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સમાં પ્રિય છે.
કોલમનું નામ -  FEAR ફેક્ટ્સ
લેખક - પરખ ભટ્ટ

કોલમમાં શું હશે? - ભારત સહિત દુનિયાભરમાં બનેલા અકલ્પનીય પણ સત્ય બનાવોની વાત, જે રુંવાડા ઉભા કરી દેશે
પરખ ભટ્ટ ગુજરાતી પત્રકારત્વ અને લેખન-જગતનું એક સશક્ત નામ છે. વડોદરાથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તેમજ ‘ડિપ્લોમા ઇન ડ્રામેટિક્સ’નું ભણતર પૂરું કર્યા બાદ એમણે મુંબઈ-અમદાવાદ-સુરત-રાજકોટ વગેરે શહેરોમાં પ્રોફેશનલ મૉડેલિંગ અને થિયેટર ક્ષેત્રે ખાસ્સું કામ કર્યુ.  છ વર્ષની લેખનયાત્રામાં તેઓ દિવ્ય ભાસ્કર, સાંજ સમાચાર, ફૂલછાબ, મિડ-ડે, મુંબઈ સમાચાર, ગુજરાત ગાર્ડિયન, નોબત સહિત ગુજરાત-મુંબઈના પ્રમુખ અખબારો માટે લખી ચૂક્યા છે. આ સિવાય તેમણે કૉકટેલ ઝિંદગી (પ્રીમિયમ ગુજરાતી મેગેઝિન) અને ફિલિંગ્સ મેગેઝિન (વડોદરા) જેવા માતબર સામયિકો માટે પણ કામ કરેલું છે. આ તમામ પ્લેટફોર્મ પર તેમણે અત્યાર સુધીમાં કુલ ૨૦૦૦થી વધુ લેખો, ઇન્ટરવ્યૂ, અહેવાલો લખ્યા છે. ઉપરાંત આ સફર હજુ પણ અવિરતપણે ચાલુ છે. 
ઉપરાંત ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ મોર્ડન માયથોલોજિકલ પુસ્તક લખવાનો શ્રેય પણ તેમને જાય છે. તેમની મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ (મહા-અસુર શ્રેણી) થકી એમણે દેશ-વિદેશમાં વસતાં હજારો ગુજરાતી વાચકોનો પ્રેમ મેળવ્યો છે. ‘TEMPLE ધર્મ’ એ પરખ ભટ્ટની નૉન-ફિક્શન બેસ્ટ-સેલર શ્રેણી ‘SCIENTIFIC ધર્મ’નું દ્વિતીય પુસ્તક છે. આ ઉપરાંત, એમનું ચોથું પુસ્તક ‘BLACK બોક્સ’ પણ વાચકોમાં પ્રિય છે. 
Tags :
AnkitDesaicoloumnFEARFACTSGujaratFirstKunalGadhviparakhbhattSamyakVaniSukhDukhnoPassword
Next Article