બાળકોના મનમાં વૈજ્ઞાનિક બનવાનું વિચારબીજ રોપતી સંસ્થા બની વટવૃક્ષ
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની સામે આવેલા વિક્રમ એ. સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં બાળકો માટે સમર વેકેશન વર્કશોપ યોજવામાં આવ્યો છે. એક વર્ષમાં આ સેન્ટરમાં 1 લાખ 60 હજારથી વધુ બાળકોએ લાભ લીધો છે. સેન્ટરમાંથી એક વર્ષમાં 8 હજાર શિક્ષકોએ તાલીમ મેળવી હતી. અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી 10 વર્ષના પનવ અને 11 વર્ષના યશ્વીનીને વેકેશનમાં સમય કઇ રીતે પસાર કરવો તે પ્રશ્ન હતો. એક à
11:47 AM May 19, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની સામે આવેલા વિક્રમ એ. સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં બાળકો માટે સમર વેકેશન વર્કશોપ યોજવામાં આવ્યો છે. એક વર્ષમાં આ સેન્ટરમાં 1 લાખ 60 હજારથી વધુ બાળકોએ લાભ લીધો છે. સેન્ટરમાંથી એક વર્ષમાં 8 હજાર શિક્ષકોએ તાલીમ મેળવી હતી.
અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી 10 વર્ષના પનવ અને 11 વર્ષના યશ્વીનીને વેકેશનમાં સમય કઇ રીતે પસાર કરવો તે પ્રશ્ન હતો. એક દોસ્તે વાત કરી કે ગુજરાત યુનિવર્સિટીની સામે આવેલા વિક્રમ એ. સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં બાળકો માટે સમર વેકેશન વર્કશોપ ચાલે છે. પનવ અને યશ્વીએ તેમના પ્રવેશ મેળવ્યો. તેમણે મેથ્સ લેબમાં પ્રવેશ મેળવ્યો.
પનવે કહ્યું કે, મેથ્સ એ મારો ગમતો વિષય છે અને તેના મોડલ બનાવવાની મઝા આવે છે. પનવ અને યશ્વીની જેમ એક જ વર્ષમાં ( વર્ષ -2020-21) આ સેન્ટરનો લાભ 1 લાખ 60 હજારથી વધુ બાળકોએ લીધો છે. આ કમ્યુનિટી સાયન્સ સેન્ટરથી માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, શિક્ષકો પણ લાભાન્વિત થયા છે. આ સેન્ટરમાંથી વર્ષ 2020-21માં 8 હજાર શિક્ષકો તાલીમબદ્ધ થયા છે. આ સેન્ટર ભલે અમદાવાદમાં હોય, પણ તેને દેશના 17 રાજ્યોના વિદ્યાર્થીઓ, શિક્ષકોના જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારી છે.
આ સેન્ટરનું મહત્વ રેખાંકિત કરતાં વિક્રમ એ. સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ સુરકર કહે છે, “એવા અનેક વિદ્યાર્થીઓ હશે જેમના મનમાં વૈજ્ઞાનિક કે ઈજનેર બનવાનું સપનું વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરના કારણે રોપાયું હશે અને તે સાકાર થયું હશે.” સુરકર ઉમેરે છે, સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં વર્ણવેલા પ્રયોગો અહીં કરે, તેનું વિશ્લેષણ કરે અને કંઈક નવું સર્જન કરવા પ્રોત્સાહિત થાય તે છે. આમ, તે વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયાને વધુ આનંદપ્રદ બનાવે છે.
આ સાયન્સ સેન્ટરમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે કાર્યરત કરિશ્મા શાહ કહે છે, “આ સેન્ટર વિસ્મયકારક વિજ્ઞાનમાં બાળકોની રૂચિ જગાડે છે અને તેમને પ્રશ્ન કરતાં અને તેના ઉકેલની દિશામાં વિચારતા શીખવે છે ”
વિક્રમ એ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરને બાળકોમાં વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા માટેના શ્રેષ્ઠ પ્રયાસો માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર - 1994(NCSTC, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકાર), સાયન્સ અને ટેકનોલોજીના કમ્યુનિકેશનમાં ઉત્કૃષ્ટ પ્રયાસ બદલ રાષ્ટ્રીય પુરસ્કાર – 2008 (NCSTC, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકાર) તથા ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સોશિયલ ઈમ્પેક્ટ એવોર્ડ ફોર એજ્યુકેશન- 2011 એવોર્ડ મળ્યા છે.
અહીં બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, ઈલેક્ટ્રોનિક, મોડલ રોકેટ્રી, એસ્ટ્રોનોમી, મેથેમેટિક્સ જેવા વિષયોની પ્રયોગશાળામાં પ્રયોગો કરી બાળકો અઘરા લાગતા વિષયોને સહેલાઈથી સમજે છે અને શીખે છે. 15 હજારથી વધુ પુસ્તકો- વિજ્ઞાન સામયિકોથી સુસજ્જ લાયબ્રેરીમાં અબાલવૃદ્ધ સૌ વિજ્ઞાનના વિષયોના વાચનનો આનંદ ઉઠાવી શકે છે.
અહીં સાયન્સ શોપ પણ છે. જ્યાંથી વિજ્ઞાનને લગતા પ્રયોગો કરવા માટે સાધન-સામગ્રી અને રસાયણો ઉપ્લબ્ધ છે. મજાની વાત એ છે કે આ સાયન્સ શોપ માટેની સામગ્રીની પ્રોટોટાઈપ આ કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં જ તૈયાર થાય છે.
આ સેન્ટર વિવિધ શાળાઓને વિજ્ઞાન-પ્રવૃત્તિ કેન્દ્રો અને પ્રયોગશાળાઓ સ્થાપવામાં મદદ કરે છે. સેન્ટરે 175 જેટલી સ્કૂલ સ્પેસ ક્લબ વિકસાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
આ કેન્દ્ર રાજ્યના ગણિત,વિજ્ઞાન, ઈજનેરી જેવા વિષયોના શિક્ષકોની ક્ષમતા-વૃદ્ધિનું પણ કાર્ય કરે છે. શિક્ષકોને STEM ( Science, Technology, Engineering & Maths) અને ઈનોવેશન માટે તાલીમ આપી તેમને ભવિષ્યના નવા વિષયો અંગે માહિતગાર કરવાનું મહત્વપૂર્ણ કાર્ય પણ કરે છે.
Next Article