Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : USA ના સેક્રેટરી ઓફ ટ્રેઝરી અને વર્લ્ડ બેન્કના પ્રમુખ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે

ગુજરાતમાં G20 અંતર્ગત આર્થિક મુદ્દાઓની ચર્ચા અને નીતિઓના સમન્વય માટે વૈશ્વિક મંચ G20 દેશોના પ્રતિનિધિઓનું ગુજરાતમાં આગમન થયું છે. G20ની ચર્ચામાંથી પોતાનો અમૂલ્ય સમય ફાળવીને ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે થઇ રહેલી ઉત્કૃષ્ઠ કામગીરીનો અભ્યાસ કરવા માટે...
gandhinagar   usa ના સેક્રેટરી ઓફ ટ્રેઝરી અને વર્લ્ડ બેન્કના પ્રમુખ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે

ગુજરાતમાં G20 અંતર્ગત આર્થિક મુદ્દાઓની ચર્ચા અને નીતિઓના સમન્વય માટે વૈશ્વિક મંચ G20 દેશોના પ્રતિનિધિઓનું ગુજરાતમાં આગમન થયું છે. G20ની ચર્ચામાંથી પોતાનો અમૂલ્ય સમય ફાળવીને ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે થઇ રહેલી ઉત્કૃષ્ઠ કામગીરીનો અભ્યાસ કરવા માટે યુ.એસ.એ.ના સેક્રેટરી ઓફ ટ્રેઝરી (નાણા મંત્રી) જેનેટ યેલન તેમજ વર્લ્ડ બેન્કના પ્રમુખ અજય બાંગા તા. 16મી જુલાઈ, રવિવારના રોજ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને મુલાકાત લેવાના છે.

Advertisement

કામગીરીની વિગતો મેળવશે

આ મુલાકાત દરમિયાન મહાનુભાવો અને તેમની ટીમ રાજ્ય સરકારના મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સ: GOAL પ્રોજેક્ટ અંતર્ગત થઇ રહેલી વિશિષ્ટ કામગીરી તેમજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી થઇ રહેલા ઓનલાઈન રીયલ ટાઇમ મોનીટરીંગની વિગતો મેળવશે અને તેનું નિદર્શન પણ કરશે. ગુજરાતમાં હંમેશા શિક્ષણ ક્ષેત્રે નવા શૈક્ષણિક સુધારાઓ અમલમાં મૂકી રાજ્યના શૈક્ષણિક સ્તરને સુધારવા માટે રાજ્ય સરકાર હરહંમેશથી કટિબદ્ધ છે. સ્કૂલિંગ સુનિશ્ચિત કર્યા બાદ દરેક બાળકનું લર્નિંગ પણ સુનિશ્ચિત કરવાના ધ્યેય સાથે શ્રેણીબધ્ધ શૈક્ષણિક ગુણવત્તા સુધારણાના પગલાંઓ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

શું છે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ?

ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી રાજ્યમાં 6 વર્ષમાં આશરે રૂ.12,500 કરોડ એટલે કે 1.5 બિલિયન ડોલરના ખર્ચે “મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ" હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ 6 વર્ષમાં તમામ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓ મળી કુલ આશરે 40,000 મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળ લાભાન્વિત કરવામાં આવશે. આ શાળાઓ પૈકી 20,000 શાળાઓને ઉત્કૃષ્ટ બનાવવા વિશ્વકક્ષાની માળખાકીય સુવિધાઓ અને શૈક્ષણિક સવલતો પુરી પાડી સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં પરિવર્તિત કરવામાં આવશે.

Advertisement

આ શાળાઓમાં કુલ 50,000 નવા વર્ગખંડોનું નિર્માણ 1,50,000 વર્ગખંડોમાં સ્માર્ટ ક્લાસની સુવિધા, 20,000 નવી કમ્પ્યુટર લેબ, 5,000 સ્ટેમ લેબ / ટીકરીંગ લેબ વિગેરેનું અમલીકરણ કાર્ય પ્રગતિમાં છે, જેના થકી 6 વર્ષમાં રાજ્યના 85%થી વધુ વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે.

રાજ્યના આ અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાઓ વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) દ્વારા એક બિલિયન યુ.એસ. ડોલર એટલે કે લગભગ રૂ. 8,300 કરોડથી વધુનું ફંડિંગ કરવામાં આવેલ છે. વર્લ્ડ બેંક દ્વારા શિક્ષણ ક્ષેત્રે સમગ્ર ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું ફંડિંગ 'મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ' માટે કરવામાં આવ્યું છે. તેમજ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) સમગ્ર વિશ્વમાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમવાર આ પ્રકારનો પ્રોજેક્ટ ગુજરાતના શિક્ષણ વિભાગ સાથે કરી રહી છે.

Advertisement

શું છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર

વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ દેશનું સર્વપ્રથમ શાળા શિક્ષણ માટેનું રીયલ ટાઈમ, ઓન લાઈન સર્વગ્રાહી મોનીટરીંગ માટેનું કેન્દ્ર છે. આ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળા શિક્ષણના તમામ ઈનીશીયેટિવ્સના ના દર વર્ષે લગભગ 500 કરોડ કરતાં વધારે ડેટા સેટનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓનો ધોરણ-અનુરૂપ અભ્યાસનું પરિણામ વધારે સારું બને તે માટે બિગ ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખૂબ મોટા ડેટાનું અર્થપૂર્ણ એનાલિસિસ કરવામાં આવે છે તથા School Education Dashboard દ્વારા રાજ્ય >જિલ્લો > બ્લોક > ક્લસ્ટર > શાળા> ધોરણ > વિષય > વિદ્યાર્થી એમ સર્વસ્તરીય રીયલટાઇમ ઓનલાઇન મોનિંટરીગ કરવામાં આવે છે.

કામગીરી

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના તમામ 1.15 કરોડ વિદ્યાર્થીઓની તેમજ તમામ 4 લાખ જેટલા શિક્ષકોની દૈનિક ઑનલાઇન હાજરી નોંધવામાં આવે છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટી, સત્રાંત અને વાર્ષિક પરીક્ષા લેવામાં આવે છે આ પરિક્ષાઓના પરિણામ સ્વરૂપ દરેક વિષય અને દરેક વિદ્યાર્થી-દીઠ Learning-Outcomes આધારીત Student Report Card આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે અને અત્યાર સુધીમાં લગભગ 17 કરોડ જેટલા Student Report Card આપવામાં આવ્યા છે.

વિદ્યા સમીક્ષા કેન્દ્ર શાળાકીય શિક્ષણના તમામ નીતિવિષયક નિર્ણયો લેવામાં એટલે કે ડેટા આધારિત ડીસીઝન-મેકીંગ કરવામાં ખૂબ મદદ કરી રહ્યું છે. આ વિદ્યા સમિક્ષા કેન્દ્રના માધ્યમથી ડેટા આધારિત જરૂરી ઈનપુટ મળે તેમજ તેના આધારે રાજ્યના વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં જરૂરી સુધારો થાય અને શિક્ષણ સફળતાનો ગ્રાફ ઉંચો આવે તે માટે વિદ્યા સમિક્ષા કેન્દ્ર ખાતેથી કામગીરી કરવામાં આવે છે.

વડાપ્રધાને પણ લીધી હતી મુલાકાત

ગત એપ્રિલ ૨૦૨૨ દરમિયાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે વિદ્યા સમીક્ષા કેન્દ્રના કામગીરીની વિસ્તૃત માહિતી લીધી હતી અને શાળાઓ અને વિદ્યાર્થીઓ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને ડીજીટલ લર્નિગ વિશે લાઇવ ઓનલાઇન સંવાદ પણ કર્યો હતો. મુલાકાત બાદ વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, “બાળકોના ભવિષ્યને, આપણી ભાવિ પેઢીના ભવિષ્યને ઘડવામાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર એક મોટું બળ બની રહ્યું છે. આટલી મોટી ટેક્નોલોજીનો ઉપયોગ વિશ્વ માટે અજાયબી છે. આ આધુનિક કેન્દ્ર સમગ્ર દેશમાં મોટા ફેરફારો લાવી શકે છે. દેશના જેટલા વધુ બાળકોને વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવી આધુનિક વ્યવસ્થાનો લાભ મળશે તેટલું ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.”

એપ્રિલ ૨૦૨૨માં વિદ્યા સમીક્ષા કેન્દ્રને “Prime Minister’s Award for Excellence in Public Administration” એનાયત કરવામાં આવ્યો છે.
વર્લ્ડ બેંક દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રને Global Best Practice તરીકે જાહેર કરીને અન્ય વિકસતા દેશોને તેનું અનુકરણ કરવા માટે પણ સલાહ આપવામાં આવી છે.

મહાનુભાવોને શિક્ષણક્ષેત્રે થયેલા પરિવર્તનથી માહિતગાર કરાશે

વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા કરવામાં આવતી આ તમામ કામગીરીને ડેશબોર્ડ અને ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન થકી આ મહાનુભાવો સમક્ષ દર્શાવવામાં આવશે. આ મહાનુભાવો દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રથી રાજ્યના શાળા શિક્ષણમાં થયેલ આમૂલ પરિવર્તન માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ વગેરે સાથે સીધો સંવાદ કરવામાં આવશે તેમજ અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ સાથે વિડીયો કોન્ફરન્સીગથી સંવાદ કરાશે. આમ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને વર્લ્ડ બેંકની ટીમને ગુજરાતના શિક્ષણક્ષેત્રે થઇ રહેલા આમૂલ પરિવર્તનની ઉત્તમ વિગતોથી આવતીકાલે અવગત કરાવવામાં આવશે.

અહેવાલ : સંજય જોષી, અમદાવાદ

આ પણ વાંચો : રુપિયો અને UPI હવે પહોંચ્યું UAE…પેમેન્ટ કરવું હવે સરળ થશે..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.