એક એવી ગાય જેનું દૂધ વેચાય છે 1 હજાર રૂપિયે લિટર
- વિશ્વની સૌથી નાની પૂંગનૂર ગાયની અનોખી કહાની
- ‘ગોલ્ડન મિલ્ક’ આપતી અઢી ફૂટની ગાય
- પૂંગનૂર ગાયના દૂધની કિંમત 1000 રૂપિયા પ્રતિ લિટર!
Punganur Cow : ભારતમાં ગાયને માતાનો પવિત્ર દરજ્જો પ્રાપ્ત છે, અને તેમાંય આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં મળતી પુંગનૂર ગાય (Punganur Cow) એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે, જેનો ઋગ્વેદમાં ઉલ્લેખ થયેલો અને જેને વિશ્વની સૌથી નાની ગાય (Small Cow) તરીકે ઓળખવામાં આવે છે. આ ગાયની ઊંચાઈ માત્ર અઢી ફૂટ હોય છે, અને તેનું દૂધ અન્ય ગાયોના દૂધની તુલનામાં વધુ પૌષ્ટિક અને ગુણકારી માનવામાં આવે છે.
નાનું કદ, ઔષધીય ગુણોથી ભરપૂર દૂધ
અમદાવાદમાં રહેતા એક ગૌપ્રેમીએ પૂંગનૂર ગાય (Punganur Cow) ને સેવા ભાવે આંધ્રપ્રદેશથી લાવીને પોતાના બાળકની જેમ તેની સંભાળ રાખી છે. અઢી ફૂટની ઊંચાઈ ધરાવતી આ ગાય માત્ર તેના નાના કદ માટે જ નહીં, પરંતુ તેના ઔષધીય ગુણોથી ભરપૂર દૂધ માટે પણ અનોખી છે. આ દૂધ, જેને ‘Golden Milk’ તરીકે ઓળખવામાં આવે છે, સામાન્ય ગાયની તુલનામાં ઓછું ઉત્પાદન આપે છે. તે દૈનિક માત્ર 2 થી 3 લીટર, પરંતુ તેની કિંમત 1,000 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે તેનાથી બનતું ઘી 10,000 રૂપિયાથી વધુની કિંમતે વેચાય છે, જે આ ગાયની વિશિષ્ટતા અને મૂલ્યને દર્શાવે છે.
આ ગાયનો ઇતિહાસ 2000 વર્ષ જૂનો
પૂંગનૂર ગાય (Punganur Cow), ભારતની દુર્લભ અને પ્રાચીન જાતિ તરીકે જાણીતી છે, જેની સંખ્યા દેશમાં અત્યંત ઓછી છે, અને આ ઓછી ઉપલબ્ધતાને કારણે તેની કિંમત ખૂબ ઊંચી માનવામાં આવે છે. આ ગાયનો ઉલ્લેખ વિશ્વના પૌરાણિક ગ્રંથોમાં જોવા મળે છે, અને તેનો ઇતિહાસ 2000 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે, જ્યારે આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પૂંગનૂર વિસ્તારના જંગલોમાં આ ગાય જોવા મળતી હોવાથી તેનું નામ પૂંગનૂર પડ્યું હોવાનું માનવામાં આવે છે.
ગૌમૂત્ર બજારમાં ઊંચી કિંમતે વેચાય છે
પૂંગનૂર ગાયનું દૂધ, જેનો ઉપયોગ તિરુપતિ બાલાજીના અભિષેક માટે ખાસ કરવામાં આવે છે, તેના અનેક ઔષધીય ગુણોને કારણે તેને ‘Golden Milk’ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તેમાં અન્ય ગાયોની તુલનામાં માત્ર 3 થી 4 ટકા ફેટ હોય છે. આ ગાયનું ગૌમૂત્ર પણ બજારમાં ઊંચી કિંમતે વેચાય છે, જેનો ખેડૂતો મુખ્યત્વે જંતુનાશક દવા તરીકે ઉપયોગ કરે છે, અને આ ગાયની નાની ઊંચાઈ જેટલી તેની વિશેષતા છે, તેટલી જ તેની કિંમત પણ ઊંચી હોવાનું માનવામાં આવે છે.
અહેવાલ - રાહુલ ત્રિવેદી
આ પણ વાંચો : Banas Dairy એ વિકસાવ્યું દેશનું પ્રથમ સ્વદેશી સિમેન સેક્સ શોર્ટિંગ મશીન