IPL 2022 વિજેતા ગુજરાત ટાઈટન્સનો ભવ્યાતિભવ્ય રોડ શો, રિવરફ્રન્ટ પર સર્જાયા ચક્કાજામના દ્રશ્યો

ગુજરાત ટાઈટન્સની જીત બાદ આજે અમદાવાદ ખાતે ભવ્ય રોડ શો થઇ રહ્યો છે, જેમા એક ઓપન બસમાં ટીમના લગભગ તમામ ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. જેમા ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા સૌથી આગળ જોવા મળી રહ્યો છે. ટીમના ખેલાડીઓની આ જીતની ઉજવણીમાં અમદાવાદના ફેન્સ મોટી સંખ્યામાં જોડાયા છે. જોકે, ટીમ જ્યાથી પણ નીકળી રહી છે ત્યા ચક્કાજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ટીમ ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી રોડ શો કરવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવ્યો છે.
અમદાવાદ શહેરમાં રોડ શોને પગલે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. ઓપન બસમાં નીકળેલા ખેલાડીઓ ફેન્સનું અભિવાદન ઝીલતા પણ જોવા મળી રહ્યા છે. ગુજરાત ટાઈટન્સ ટીમના તમામ ખેલાડીઓ રોડ શોમાં જોડાયા છે. ગુજરાત ટાઈટન્સનો રોડ શો હયાત હોટેલથી ઈન્કમટેક્સ તરફ યુટર્ન લઈ ઉસ્માનપુરા જશે. ઉસ્માનપુરાથી જમણી દર્પણ એકેડમી થઈ રિવરફ્રન્ટ તરફ જશે. ગાંધીબ્રિજ રિવરફ્રન્ટથી યુ-ટર્ન લઈ ઉસ્માનપુરા તરફ જશે. ઉસ્માનપુરા થઈ હયાત હોટેલ પરત ફરશે. જોકે, આ રોડ શોના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. કારણ કે આ સમયે ઓફિસથી છુટતા કર્મચારીઓને ચક્કાજામનો સામનો કરવો પડી રહ્યો છે.