Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓની સ્મૃતિમાં “અમર કક્ષ”નું લોકાર્પણ
અંગદાન ક્ષેત્રે અંગદાતાઓને શ્રધ્ધાજંલિ અર્પણ કરતું સમગ્ર દેશમાં સંભવિત પ્રથમ મેમોરીયલનું લોકાર્પણ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત “અમર કક્ષ”નું આજે લોકાર્પણ કર્યું હતુ. અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત “અમર કક્ષ” ભવિષ્યમાં અનેક લોકોને અંગદાન માટેની પ્રેરણા આપશે તેવો ભાવ પણ વ્યક્ત કર્યો હતો.
અંગદાનમાં સિવિલની શ્રેષ્ઠ કામગીરી
ભવિષ્યમાં બ્રેઇનડેડ થતા દર્દીઓના સ્વજનો, પરિવારજનોને અંગદાનની સમજ આપતી વેળાએ આ કક્ષ એક સકારાત્મક વાતાવરણ ઉભી કરીને માનસપટલ પર સકારાત્મક અસરો ઉભી કરશે તેવું તેમણ જણાવ્યું હતુ. મંત્રીએ વધુમાં એમ પણ કહ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા 2.5 વર્ષમાં અંગદાન ક્ષેત્રે સરાહનીય કામગીરી કરવામાં આવી છે જે ધન્યતાને પાત્ર છે. સિવિલ હોસ્પિલમાં થયેલ 109 અંગદાન દ્વારા 330 જેટલા જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું હોવાનું જણાવીને સિવિલ હોસ્પિટલનો સેવાયજ્ઞ આજે સમગ્ર રાજ્યમાં મહાયજ્ઞ બન્યો છે તેમ તેમણે ઉમેર્યું હતુ.
વડાપ્રધાનશ્રીએ પણ બિરાદાવ્યું
અમદાવાદ સિવિલ હોસ્પિટલની પહેલના કારણે આજે સમગ્ર રાજ્યમાં અંગદાન વેગવંતુ બન્યું હોવાનું પણ મંત્રીએ કહ્યું હતુ. તાજેતરમાં જ અંગદાન ક્ષેત્રે SOTTOને પ્રધાનમંત્રીશ્રીના હસ્તે એનાયત થયેલ એવોર્ડ સંદર્ભે ઋષિકેશ ભાઈએ કહ્યું કે, ગુજરાત રાજ્યના અંગદાનના સેવાકીય કાર્યોને વડાપ્રધાનશ્રીએ પણ બિરાદાવ્યું છે. જેના પરિણામે જ તાજેતરમાં જ ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં ગુજરાતના SOTTO એકમને એવોર્ડ પણ એનાયત થયો છે.
109 અંગદાતાઓની સ્મૃતિ
સરકાર, સમાજ , સેવાભાવી સંસ્થા અને મીડિયાના સહિયારા પ્રયાસોથી જ આજે રાજ્યભરમાં અંગદાનની જાગૃકતા પ્રવર્તી છે.પરિણામે અંગદાનની સુવાસ આજે ખુણે ખુણા સુધી પહોંચી છે. અંગદાન ક્ષેત્રે અંગદાતાઓને શ્રધ્ધાજંલિ અર્પણ કરતું સમગ્ર દેશમાં સંભવિત પ્રથમ મેમોરીયલ હોવાનું સિવિલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતુ. આ અમર કક્ષ માં સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં થયેલ 109 અંગદાનના અંગદાતાઓની તસ્વીર અંકિત કરવામાં આવી છે.
કાઉન્સેલીગ રુમનું નિર્માણ
વધુમા આ કક્ષમાં એક કાઉન્સેલીગ રુમ પણ બનાવાયો છે. જ્યાં બ્રેઇનડેડ દર્દીઓના સ્વજનોનું અંગદાન માટે કાઉન્સેલીગ કરવામાં આવશે. આ કક્ષ માં અંગદાન માટે પ્રેરતા , સકારાત્મક વાતાવરણ ઉભું કરતા લેખ, સુત્રો, આર્ટિકલ્સ, મીડિયા કવરેજ પણ પ્રતિબીંબત કરાયા છે જેને વાંચીને લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃકતા વધશે. "અમર કક્ષ"ના લોકાર્પણ પ્રસંગે આરોગ્ય વિભાગના કમિશ્નર શાહમીના હુસૈન, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી, એડિશનલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રજનીશ પટેલ, વિવિધ વિભાગના વડા, તબીબો, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા.
અહેવાલ - સંજય જોષી, અમદાવાદ
આ પણ વાંચો : પાકિસ્તાનની જેલમાંથી 198 ભારતીય માછીમારો મુક્ત થશે, આ તારીખે પહોંચશે ગુજરાત