હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશનની અમદાવાદ બંધની ચીમકી, form-c રજીસ્ટ્રેશનનો વિવાદ વકર્યો
અમદાવાદમાં 450 જેટલી હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સના સી ફોર્મ મુદ્દે આજે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસીએશન દ્વારા પત્રકાર પરિષદ કરી હતી. જેમાં ફોર્મ - સી રજીસ્ટ્રેશનમાં થઈ રહેલી સમસ્યાને કારણે અમદાવાદ શહેરમાં 450 જેટલી નર્સિંગ હોમ્સના રજીસ્ટ્રેશન અટક્યા હોવાની વાત જણાવવામાં આવી છે. શહેરની 450 જેટલી હોસ્પિટલને તાળા મારવા પડે તેવી સ્થિતિ પેદા થતાં સરકારને તાત્કાલિક મદદ કરવા 'આહના' એ લગાવી ગુહાર છે.
'આહના' એ જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તાત્કાલિક બીયુ વગર અન્ય શરતોના પાલન સાથે સી - ફોર્મનું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવે તેવી અપીલ કરીએ છીએ. જો આગામી શુક્રવાર સુધીમાં અમને કોઈ નિરાકરણ નહીં મળે તો 15 મેના રોજ એટલે કે આગામી શનિવારે તમામ મેડિકલ ફેસિલિટી અમદાવાદ શહેરમાં બંધ કરવા મજબૂર બનીશું. 'આહના' દ્વારા મેડિકલ બંધ, રેલી - ધરણાં, ફૂટપાથ પર ઓપીડી જેવા કાર્યક્રમો યોજી વિરોધ દર્શાવીશું. ઓક્ટોબર 2021 થી સી - ફોર્મ માટે એએમસી દ્વારા બીયુ પરમિશન ફરજિયાત કરી દેવાતા શહેરની 450 નર્સિંગ હોમ્સને તાળા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
વધુમાં 'આહના'ના પ્રમુખ ડોક્ટર ભરત ગઢવી જણાવ્યું કે સરકાર આ રીતે વલણ અપનાવશે તો ભવિષ્યમાં 900 જેટલા નર્સિંગ હોમ્સ બંધ થઈ શકે છે. દર્દીઓની સુરક્ષા માટે અમે પ્રતિબદ્ધ છે, ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર NOC માં કોઈ પણ બાંધછોડ અમે પણ રાખવા માંગતા નથી પરંતુ સમગ્ર રાજ્યમાંથી બીયુના નિયમો સમાન રીતે લાગુ પડે એ માટે સરકારને અપીલ કરીએ છીએ. શહેરની તમામ ઈમારતો પર બીયુને લગતા તમામ નિયમોનું પાલન કરવામાં આવે તો અમે પણ એ નિયમોનું પાલન કરવા કટિબદ્ધ છીએ. 'આહનાના સેક્રેટરી ડોક્ટર વિરેન શાહે કહ્યું કે અધિકારીઓ દ્વારા બીયુ પરમિશન મામલે કોઈ સાંઠ - ગાંઠ થઈ હોવાનું લાગે છે જેના કારણે અમને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે, જેમની પાસે ફાયર NOC ના હોય એવી હોસ્પિટલ બંધ કરવામાં આવે એમાં અમને વાંધો ન હોઈ શકે, પરંતુ બીયુને લઈ હોસ્પિટલને હેરાન કરાઈ રહી છે જે યોગ્ય નથી.