અમદાવાદમાં હોર્ન મારવાના મુદ્દે હિસ્ટ્રીશીટરે બે બહેનો પર હુમલો કર્યો
અહેવાલ--પ્રદીપ કચિયા, અમદાવાદ
અમદાવાદ (Ahmedabad) શહેરમાં ગુનેગારો બેફામ બની ગયા હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. વાહન લઈને રસ્તે જતી બે બહેનોએ રસ્તા વચ્ચે ચાલતા શખ્સને હોર્ન મારતા યુવકે ઉશ્કેરાઈને બન્ને બહેનોને મૂઢ માર માર્યો હતો. જે યુવતીઓમાં એક યુવતીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડાઈ હતી. આ મામલે સરદારનગર પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીની તપાસ કરતા તે હિસ્ટ્રીશીટર હોવાનું ખુલ્યું છે.
હોર્ન મારવાના મુદ્દે બે બહેનોને માર માર્યો
સરદારનગર પોલીસે હિતેશ રાવલ નામના શખ્સની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી અમદાવાદના નરોડા વિસ્તારમાં રહે છે. બે યુવતીઓને સામાન્ય બાબતમાં બેરહેમીથી માર મારવાના કેસમાં આરોપીની ધરપકડ કરાઈ છે. 4 ઓક્ટોબરના રોજ નરોડા વિસ્તારમાં રહેતી બે બહેનો એક્ટીવા પર ઘરે જઈ રહી હતી, તે સમયે ગેલેક્ષી અંડરબ્રિજ પાસે આવેલી ઉમા પાર્ક સોસાયટી રોડ પરથી પસાર થતા એક શખ્સ રોડ વચ્ચે ચાલતો હતો, જેથી યુવતીએ હોર્ન મારતા તેણે બન્ને બહેનોને ગંદી ગાળો આપીને જાતિ વિષયક શબ્દો બોલ્યો હતો. જે બાદ પણ આરોપીએ ન અટકી એક્ટીવાને લાત મારી ધક્કો મારી નીચે પાડી દીધી હતી. જે બાદ આરોપીએ બન્ને બહેનોને ઢોર માર માર્યો હતો.
લોકોએ આરોપીને મેથીપાક ચખાડ્યો
આ ઘટના બનતા આસપાસના લોકો એકત્ર થયા હતા અને આરોપીને મેથીપાક ચખાડ્યો હતો. આ અંગે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી છે. આરોપીની તપાસ કરતા તે અગાઉ પણ નાના મોટા 9 ગુનામાં ઝડપાઈ ચુક્યો હોવાની હકિકત સામે આવી હતી. જોકે ઘટના બની તે સમયે તે નશામાં હતો કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલે પોલીસે આરોપી સામે મારમારી તેમજ એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.
અગાઉ પણ આવા બનાવો બન્યા છે
મહત્વનું છે કે પૂર્વ વિસ્તારમાં અગાઉ પણ ગુનેગારો દ્વારા સામાન્ય જનતા પર હુમલાના અનેક બનાવો બની ચુક્યા છે. તેવામાં યુવતીઓ પર જાહેરમાં થયેલા હુમલા કેસમાં ખુદ મહિલા ડિસીપીએ તેઓની મુલાકાત લઈને આ કેસમાં કડક કાર્યવાહી કરવાની બાહેંધરી આપી છે. ત્યારે જોવાનુ રહ્યું કે આ કેસમાં પોલીસ આરોપી સામે કેવી કડક કાર્યવાહી કરે છે.
આ પણ વાંચો----SURAT : મનપાએ સોલીડ વેસ્ટ સહિત વિવિધ પ્લાન્ટમાંથી 140 કરોડની આવક ઊભી કરી