ડીલરોનું વિરોધ પ્રદર્શન, CNG નું વેચાણ બંધ કરી નોંધાવ્યો વિરોધ
ગુજરાતમાં પેટ્રોલ પંપના માલિકોએ સરકાર સામે બાયો ચડાવી છે. છેલ્લા ત્રણ વર્ષથી માર્જિનમાં વધારો ન કરાતા આજે વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતભરમાં CNG પંપ ચાલકોની હડતાળ હતી. રાજ્યના 1200 CNG પંપ પર આજે CNGનું વેચાણ બંધ રહ્યું હતું. બપોરના 1 - 3 કલાક દરમિયાન સીએનજીનું વેચાણ બંધ રાખવામાં આવ્યું હતું.
CNG ગેસમાં ડીલર માર્જિન વધારવાનું નક્કી કર્યાના ૩૦ મહિના બાદ પણ માર્જિન ન વધારાતા હડતાલ પાડવામાં આવી હતી. ત્રણ કંપનીઓ સામે ડીલરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 2 કલાક વેચાણ બંધ રાખીને કંપની સામે વિરોધ કર્યો હતો અને માર્જિન વધારવા માગ કરી હતી. કંપની દ્વારા દર બે વર્ષે માર્જીન વધારવા માટેની બાહેંધરી ડીલરોને આપવામા આવી હતી. જો કે 2017 થી કોઈ વધારો ન કરતા ડીલરો હડતાલના માર્ગે ચડ્યા હતા. કંપની દ્વારા ફ્રેબુઆરીમાં કમિશન વધારવાની વાત કરવામાં આવી હતી. પણ કંપની દ્વારા કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
હાલ CNG પર 1.75 પૈસા કમિશન મળે છે. જે વધારીને ૩ રૂપીયા કરવાની માગ કરાઈ છે. થોડા સમય અગાઉ પણ પેટ્રોલ અને ડિઝલ પર પણ કમિશન વધારવા ડીલરોએ માગ કરી હડતાલ પાડી હતી. પરંતુ તે અંગે હજુ કોઈ નિર્ણય આવ્યો નથી. હવે CNGને લઈને ડીલરો વિરોધ કરી રહ્યાં છે. ઓઈલની ખરીદી બાદ ભારત લાવવાનો ખર્ચ ચૂકવવો પડે છે, ભારત આવી ગયા બાદ તેને રિફાઇનરી(IOC, BPCL,GGL જેવી કંપનીઓ)માં પહોંચાડવાનો ખર્ચ થાય છે. ત્યારબાદ કંપની તેના પર પ્રોસેસ કરીને પેટ્રોલ કે ડીઝલ સ્વરૂપે ડીલર્સ (પેટ્રોલ પંપ)ને પહોંચાડે છે. જ્યાં તેના પર કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યૂટી, રાજ્ય સરકારનો વેટ અને ડીલરનું કમિશન જોડાય છે.
ડીલર પાસે પેટ્રોલ પહોંચે ત્યારે તેની કિંમત 38.63 રૂપિયા પ્રતિ લીટર હોય છે. જેના પર કેન્દ્ર સરકાર 19.48 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી લગાવે છે અને ડીલર તેમનું કમિશન જોડે છે, પછી રાજ્ય સરકારો વેટ લગાવે છે. જો કે પેટ્રોલ, ડીઝલ અને CNG માં છેલ્લા 3 વર્ષથી કમિશન ન વધતા એસોસિએશને આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. દૈનિક 2 કરોડ 75 લાખ લીટર પેટ્રોલ-ડીઝલની ઓઇલ કંપનીઓ પાસેથી ખરીદી થાય છે. હાલમાં પેટ્રોલમાં 3 રૂપિયા, ડિઝલમાં 2 રૂપિયા કમિશન મળે છે. તે વધારવા પણ માગ કરવામાં આવી રહી છે. હાલ CNG માટે લડત ચાલુ છે તે પુર્ણ થયા બાદ ડીલરો પેટ્રોલ ડિઝલનાં કમિશન માટે લડત આપશે.